Monday, February 10, 2014

ઊઠાવ કલમ, કાગળ અને.....

ઊઠાવ કલમ, કાગળ અને

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
ને શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

તું નહિજ આવે એ જાણું છું તે છતાં
તારા આવવાના ખોટા ઈરાદાઓ લખ મને

તારા વિના અહીં તો છે ધુમ્મસભર્યું બધે
તારી ગલીમાં છે કેવા તડકાઓ લખ મને

અકળાઈ જાઉં એવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને

તારા વિના બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને

ભૂલી ગયો છું જિંદગીની રાહ સૌ "દિલીપ"
ક્યાં ક્યાં પડ્યા છે તારા પગલાઓ લખ મને...